Friday, July 11, 2025
More

    3200 સીસીટીવી, 45 ડ્રોન અને એન્ટી-ડ્રોન સીસ્ટમ: રથયાત્રાની સુરક્ષામાં ખડેપગે હશે 20 હજાર જવાનો, અમદાવાદમાં કાર્યક્રમ પહેલાં પોલીસનું રિહર્સલ

    અમદાવાદમાં 27 જૂન 2025 શુક્રવારના રોજ યોજાનારા ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની (Jagannath Rath Yatra) તડામાર તૈયારીઓ ચાલુ છે. એકબાજુ જ્યાં ભગવાન જગન્નાથની નગરયાત્રા માટે ભક્તો ઉત્સાહી છે, ત્યારે રાજ્ય સરકાર પણ ઉત્સવની તૈયારીમાં કોઈ કચાશ રાખી રહ્યું નથી. સરકારે રથયાત્રાની સુરક્ષાને સઘન કરવા માટે 20 હજારથી વધુ પોલીસ જવાનો તૈયાર રાખ્યા છે. આ ઉપરાંત સુરક્ષા માટે સીસીટીવી, ડ્રોન કેમેરા અને અને એન્ટી-ડ્રોન સીસ્ટમ જેવા આધુનિક ઉપકરણો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મંદિર સુધીના રથયાત્રાના રૂટ ઉપર પોલીસ જવાનોએ રિહર્સલ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક વિશેષ રીતે આ બધી તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.

    ઉલ્લખનીય છે કે, 27 જૂને યોજાનાર આ ભવ્ય રથયાત્રામાં 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા અને 30 જેટલી ભજન મંડળીઓ પણ સામેલ થશે. આ ઉપરાંત દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ભગવાનની રથયાત્રામાં જોડાશે. જેથી પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દીધી છે. આ વખતે પોલીસે સુરક્ષાને ધ્યાને રાખીને 3200થી વધુ સીસીટીવી કેમેરા રથયાત્રાના સર્વેલન્સ માટે રાખ્યા છે. આ કેમેરાની વિશેષતા એ છે કે તેની સાથે 3200 જેટલા હિસ્ટ્રીશીટરના ડેટા એડ કરવામાં આવ્યા છે. જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને ત્યારે ગુનેગારોની ઓળખમાં મદદ મળી શકે. આ ઉપરાંત પોલીસની ક્રાઈમ બ્રાંચની એક ટુકડી પણ 45 જેટલા ડ્રોન કેમેરા સાથે આ સમગ્ર કાર્યક્રમ પર ધ્યાન રાખશે. પ્રશાસને રથયાત્રાના મુખ્ય પોઈન્ટ્સ પર એન્ટી ડ્રોન સીસ્ટમ પણ તૈયાર રાખી છે.