ગત 10 નબેમ્બરના રોજ અમદાવાદ (Ahmedabad) શહેરના બોપલ વિસ્તારમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી એક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની પંજાબથી ધરપકડ કરી લીધી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
પ્રિયાંશુ જૈન નામના મૂળ મેરઠના અને MICA કોલેજમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને માત્ર એટલા માટે છરી મારી દેવામાં આવી હતી, કારણ કે તેણે એક કારચાલકને ધીમે ચલાવવાનું કહ્યું હતું.
બોપલ સન સાઉથ સ્ટ્રીટ કોમ્પલેક્સમાંથી રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ પૂરઝડપે આવેલા કારચાલકને જૈને પૂછ્યું હતું કે, ‘ઇતની જોર સે ગાડી ક્યોં ચલા રહે હો.’ ત્યારબાદ ચાલક 100 મીટર આગળ જઈને પરત ફર્યો હતો અને ઝઘડો કર્યા બાદ છરી મારી દીધી હતી.
પોલીસે આ મામલે પછીથી આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો અને તેની શોધખોળ શરૂ કરી હતી. તાજા અહેવાલો અનુસાર, તેની ઓળખ વિરેન્દ્રસિંહ પઢેરિયા તરીકે થઈ છે અને તે સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ઘટના બાદ તે પંજાબ ભાગી છૂટ્યો હતો, જ્યાંથી પોલીસ તેને પકડી લાવી છે.