અમદાવાદ પ્લેન ક્રેશ મામલે તમામ મૃતકોની ઓળખ થઈ ચૂકી છે. જેની સાથે અંતિમ આંકડો 260 પર પહોંચ્યો છે. શુક્રવારે (27 જૂન) અંતિમ મૃતકના DNA મેચ થતાંની સાથે હવે પરીક્ષણની આ પ્રક્રિયા પર દિવસો બાદ પૂર્ણવિરામ મૂકાયું છે.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે અંતિમ મૃતદેહના DNA સેમ્પલ મેચ થયા હતા. મૃતકોનો કુલ આંકડો 260 પર પહોંચ્યો છે. જેમાંથી 241 મુસાફરો હતા અને બાકીના 19 નોન પેસેન્જરો હતા. તેમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા થોડા દિવસોમાં હવે સાઈટ પરથી કોઈ મૃતદેહ મળ્યા નથી.
કુલ 254 મૃતકોની ઓળખ DNA સેમ્પલ પરથી, જ્યારે 6ની ઓળખ ફેસિયલ રેકગ્નિશન પરથી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગત 12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું હતું, જેમાં 242માંથી 241 મુસાફરો અને ક્રૂનાં મોત થયાં હતાં. મૃતકોમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સામેલ હતા.
ઘટના બાદ DNA સેમ્પલ પરથી ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 15 દિવસે આખરે તમામ DNA મેચ થયા છે.