Saturday, July 12, 2025
More

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને વ્યક્ત કર્યું દુઃખ: ઇઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, રશિયા, યુક્રેન સહિતના દેશોએ પણ વ્યક્ત કરી સંવેદનાઓ  

    અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) દુર્ઘટનાએ સમગ્ર વિશ્વમાં પડઘા પાડ્યા છે. વિશ્વના ઘણા દેશો અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે. દેશના ગૃહમંત્રી સહીતના વરિષ્ઠ નેતાઓ પણ અમદાવાદ ખાતે આવવા રવાના થઈ ચૂક્યા છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ (Droupadi Murmu) પણ પોસ્ટ કરી હતી.

    રાષ્ટ્રપતિએ પોસ્ટ કરતા લખ્યું હતું કે, “અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ એક હૃદયદ્રાવક દુર્ઘટના છે. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ અસરગ્રસ્ત લોકો સાથે છે. આ અવર્ણનીય દુઃખની ક્ષણોમાં રાષ્ટ્ર તેમની સાથે ઉભું છે.”

    આ દુર્ઘટના બાદથી જ અમદાવાદનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે હવે એરપોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. 04:05થી એરપોર્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

    આ ઉપરાંત જર્મનીના વિદેશ મંત્રી યોહાન વાડેફુલે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “અમદાવાદમાં ટેકઓફ પછી એર ઇન્ડિયાના વિમાન ક્રેશ થયાના આઘાતજનક ફોટા આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે અમે હજી વધુ વિસ્તૃત વિગતો મેળવી રહ્યા છીએ, મારા વિચારો અને હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ ભારતમાં અમારા મિત્રો અને તેમના પ્રિયજનોની આશા રાખનારા બધા લોકો સાથે છે.”

    ભારતમાં જર્મનીના એમ્બેસેડર ડૉ. ફિલિપે પણ ભારત પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી હતી. આ સિવાય ભારતમાં ફ્રાન્સના એમ્બેસેડરે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના સમાચારથી ફ્રાન્સ ખૂબ જ દુઃખી છે. પીડિતો અને તેમના પ્રિયજનો સાથે અમારી સંવેદનાઓ છે. આ મુશ્કેલ સમયમાં અમે અમારી સંપૂર્ણ એકતા વ્યક્ત કરીએ છીએ.”

    રશિયન એમ્બેસેડર ડેનીશ એલીપોવએ લખ્યું હતું કે, “અમદાવાદથી હૃદયદ્રાવક સમાચાર આવી રહ્યા છે. આ દુ:ખદ મોટી દુર્ઘટના પર પીડિતોના પરિવારો અને પ્રિયજનો, ભારતીય લોકો અને ભારત સરકાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના!” તે સિવાય રશિયન રાષ્ટ્રપતિ પુતિન, યુક્રેનના રાષ્ટ્રપતિ અને ઇઝરાયેલના વિદેશ મંત્રીએ પણ આ દુર્ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી છે.