Sunday, July 13, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશ: અત્યાર સુધી કુલ 114 મૃતકોના DNA મેચ થયા, પરીક્ષણની પ્રક્રિયા સતત ચાલુ

    અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ હવે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના DNA ટેસ્ટ કરીને મેચ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ માટે તેમનાં સ્વજનોનાં DNA સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. 

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલી જાણકારી અનુસાર, સોમવારે (16 જૂન) સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 114 લોકોના DNA મેચ થઈ ગયા છે અને બાકીનાનું પરીક્ષણ કરવાનું કામ ચાલી રહ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદથી જ ફોરેન્સિક લેબના વૈજ્ઞાનિકોની ટીમો સતત કામ કરી રહી છે અને DNA પરીક્ષણ અને મેચિંગ ચાલી રહ્યાં છે. જેમ-જેમ મૃતકોનાં DNA મેચ થાય તેમ પાર્થિવ શરીર પરિજનોને સોંપવામાં આવી રહ્યાં છે. 

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાન અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમનું DNA મેચ થયા બાદ પાર્થિવ શરીર પરિવારને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવ્યું હતું. રાજકોટમાં પૂરેપૂરા રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.