Sunday, July 13, 2025
More

    ભારતમાં જ છે અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171નું બ્લેક બોક્સ, AAIB કરી રહ્યું છે તપાસ: તેને અમેરિકા મોકલવાના અહેવાલો સરકારે ફગાવ્યા

    12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં ક્રેશ (Ahmedabad Plane Crash) થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ના બ્લેક બોક્સની તપાસ ભારતમાં જ ચાલી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મંગળવારે (24 જૂન, 2025) સ્પષ્ટતા કરી હતી કે બ્લેક બોક્સ (black box) અમેરિકા મોકલવાના અહેવાલો ખોટા છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) તેની તપાસ કરી રહ્યું છે.

    નાયડુએ પુણેમાં એક સમિટ દરમિયાન કહ્યું હતું કે તપાસ સંપૂર્ણ ગંભીરતાથી કરવામાં આવી રહી છે અને કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં. આ નિવેદન એક મીડિયા રિપોર્ટ બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) વિશ્લેષણ માટે અમેરિકા મોકલવામાં આવશે. જેને મંત્રીએ નકારી કાઢ્યું છે.

    ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ લંડન જઈ રહેલું આ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ટેકઓફ થયાની થોડી જ વાર પછી મેઘાણીનગરમાં મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું, જેમાં 241 લોકોનાં મોત થયા હતા. ફક્ત એક યાત્રી વિશ્વાસ કુમાર રમેશ બચી ગયા હતા.

    આ અકસ્માત પછી, 13 અને 16 જૂનના રોજ બ્લેક બોક્સ મળી આવ્યા હતા. હાલમાં, AAIB, અમેરિકાના NTSB અને બોઇંગના નિષ્ણાતો કારણો શોધવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. સરકારે ત્રણ મહિનામાં ઉચ્ચ-સ્તરીય સમિતિનો અહેવાલ આપવાનું વચન આપ્યું છે.