Thursday, July 10, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા 132 લોકોના DNA મેચ, 97 મૃતદેહો સોંપાયા: સતત ચાલી રહ્યું છે પરીક્ષણ

    અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) દુર્ઘટના બાદ જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના મૃતદેહો તેમના સ્વજનોને પરત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં DNA મેચ કરીને મૃતદેહો પરત કરવામાં આવી રહ્યા છે. આ સિવાય ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના (Ex. CM Vijay Rupani) અંતિમસંસ્કાર પણ પૂર્ણ થઈ ચૂક્યા છે.

    અત્યાર સુધીમાં સામે આવેલ માહિતી અનુસાર, 16 જૂને મોડી સાંજ સુધીમાં 125 DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 83 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિ અનુસાર, 132 મૃતકોના DNA મેચ થયા છે અને 97 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે. જે મૃતદેહો સુપરત કરવામાં આવ્યા તેમાં અમદાવાદ, વડોદરા, આણંદ, મહેસાણા અને ગાંધીનગરના રહેવાસીઓનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત ખેડાના 3, અને જૂનાગઢ, અમરેલી, મહિસાગર, રાજકોટ, ઉદયપુર, જોધપુર, બોટાદ ખાતે 1-1 મૃતદેહ સુપરત કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત 855 જેટલો વધારાનો સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો છે, જેથી કામગીરી ઝડપથી કરી શકાય.

    અહેવાલ અનુસાર તપાસ અધિકારીઓને વિમાનના કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ મળી આવ્યું છે જેને કોકપિટ વોઇસ રેકોર્ડર પણ કહેવામાં આવે છે. તેનાથી એ જાણી શકાશે કે છેલ્લી ઘડીએ વિમાનમાં ખરેખર થયું શું હતું અને કયા કારણોસર વિમાન તૂટી પડ્યું.

    આ ઉપરાંત આ દુર્ઘટનાનો શિકાર બનેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાન રાજકોટ લઈ ગયા બાદ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 

    રૂપાણીની અંતિમ વિધિ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરક્યો હતો. તેમની અંતિમયાત્રામાં પણ હજારો લોકો જોડાયા હતા.