Saturday, July 12, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશ અપડેટ: 31 DNA મેચ થયા, 12 મૃતદેહ પરિવારને સોંપાયા; સતત ચાલી રહી છે કાર્યવાહી

    અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) થયા બાદ સતત મૃતદેહોની ઓળખ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં (Civil Hospital) સતત ત્રીજા દિવસે મૃતકોના અને તેમના પરિવારજનોના DNA સેમ્પલ લેવાની કાર્યવાહી યથાવત રહી છે. માહિતી મળી રહી છે કે, 31 મૃતદેહોના સેમ્પલ મેચ થતાં તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. 

    સિવિલ હૉસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેડ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે 10 વાગ્યા સુધીમાં ત્રણ પરિવારોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે હવે 9 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. કુલ 12 મૃતદેહોને પરિવારને સોંપવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જેટલા લોકોના DNA મેચ થયા થયા છે, તેમાંથી હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વીજુ રૂપાણીના DNA મેચનો કોઈ રિપોર્ટ આવ્યો નથી. 

    ડૉક્ટરે વધુમાં કહ્યું છે કે, 12 પરિવાર પોતાના સ્વજનના મૃતદેહો લઈને જતાં રહ્યા છે. આ તમામ લોકો અલગ-અલગ પ્રદેશમાંથી આવ્યા હતા. જેમાં ઉદયપુર, વડોદરા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદનો સમાવેશ થાય છે.