12 જૂન, 2025ના રોજ અમદાવાદ ખાતે બનેલી પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) ગોઝારી ઘટના બાદ મૃતકોની DNA મેચિંગ દ્વારા ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ તાજેતરમાં આપેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 247 જેટલા મૃતકોની DNA મેચની પદ્ધતિથી ઓળખ થઇ ચૂકી છે. જેમાંથી 232 જેટલા પાર્થિવદેહ તેમના પરિવારજનોને સોંપી પણ દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ ખાતે આવેલી બી.જે મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થતાં પ્લેનમાં સવાર 242 લોકોમાંથી 241નાં મૃત્યુ થયાં હતાં. જયારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હોસ્ટેલ પર વિમાન તૂટ્યું ત્યાં રહેતા 50 જેટલા વિદ્યાર્થીઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.
ઘટનામાં મૃત્યુ પામેલાઓની ઓળખ કરવાનું મુશ્કેલ બનતા તેમના DNA પરીક્ષણ કરી ઓળખ પ્રસ્થાપિત કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી. ત્યારબાદ પ્રશાસને પીડિત પરિવારજનોના DNA નમૂનાના આધારે મૃતદેહોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધી DNA દ્વારા મેચ થયેલા 247 મૃતદેહોમાંથી 232 પાર્થિવદેહો તેમના પરિવારજનોને સોંપાયા છે. જેમાં 23 મૃતકોના પાર્થિવદેહને ફ્લાઈટ દ્વારા તેમના પરિવાર સુધી મોકલવામાં આવ્યા છે, જ્યારે 209 મૃતકોના પાર્થિવ દેહને 108 એમ્બ્યુલન્સની સુવિધાથી તેમના પરિજનો સુધી પહોચાડવામાં આવ્યા હતા.