Tuesday, April 8, 2025
More

    અમદાવાદના જુહાપુરા-સરખેજના હિસ્ટ્રીશીટર મોહમ્મદ મુશીરની હવેલી પર ફરી વળ્યું બુલડોઝર, સુરતના વસીમ પાર્સલની ઓફિસ પણ ધ્વસ્ત

    અમદાવાદમાં શનિવારે (22 માર્ચ) સતત ત્રીજા દિવસે અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી રહી છે. તે જ અનુક્રમે હવે જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રીશીટરની છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદે હવેલી અને અન્ય સંપત્તિઓ પર પણ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફતેવાડી પાસે આવેલા તેના ‘ઈસ્માઈલ પેલેસ, જે ‘મુશીર હવેલી’ તરીકે જાણીતી હતી, તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

    આ સાથે જ સુરતમાં પણ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના લિંબાયત વિસ્તારના વસીમ પાર્સલે SMCના પ્લોટમાં ગેરકાયદે ઊભી કરી દીધેલી ઓફિસ પણ સુરત પોલીસના બંદોબસ્ત હેઠળ તોડી પાડવામાં આવી છે. અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે 6300 ફૂટ જગ્યામાં મોહમ્મદ મુશીરે બંગલો ઊભો કરી દીધો હતો. પોલીસ અનુસાર, તે જમીનને હવે ખાલી કરાવી નાખવામાં આવી છે.

    નોંધવા જેવું છે કે, ગુજરાત પોલીસના વડા દ્વારા 100 કલાકમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની લિસ્ટ બનાવવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જે બાદ સતત કાર્યવાહી પણ ચાલી રહી છે. આ પહેલાં કચ્છમાં પણ ઘણી ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા.