Tuesday, March 18, 2025
More

    વાઘના પિંજરામાંથી બચીને આશિક પુરાયો પોલીસના પિંજરે: અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા કર્યું તરકટ, વિડીયો વાયરલ

    અમદાવાદના (Ahmedabad) કાંકરિયા તળાવથી (Kankaria Lake) એક આશ્ચર્યચકિત કરી દેય એવો મામલો સામે આવ્યો હતો. જે અંતર્ગત એક પાગલ પ્રેમીએ તેનો પ્રેમ બતાવવા એવું કારસ્તાન કર્યું કે સીધો જેલભેગો થઈ ગયો હતો. યુવક કાંકરિયા ઝૂમાં (Zoo) આવેલા વાઘના પિંજરા પર ચઢી ગયો હતો, જેની પછીથી ધરપકડ કરવામાં આવી હતી.

    9 ફેબ્રુઆરીના રોજ 26 વર્ષીય અરુણ કુમાર પાસવાન તેની પ્રેમિકા સાથે કાંકરિયા ઝૂમાં ગયો હતો. ત્યારે પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા માટે વાઘના પિંજરા પર ચઢી ગયો હતો. જોકે તે જે ઝાડના સહારે પિંજરા પર ચઢ્યો હતો ત્યાંથી પગ લપસી જતાં સીધો વાઘના પાંજરાની અંદર પડી ગયો હતો. નોંધનીય છે કે યુવક મૂળ ઉત્તર પ્રદેશનો છે અને અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહે છે.

    યુવક વાઘના પિંજરામાં પડ્યો હોવાની જાણ થતાં સંગ્રહાલયના કર્મચારીઓ તરત જ દોડી આવ્યા હતા તથા સમયસર કામગીરી કરી અને યુવકને બચાવી લીધો હતો. જો આમ ન થયું હોત તો યુવક વાઘનો શિકાર બની જાત. આ ઘટનાની જાણ થતાં જ મણિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને યુવક સામે ગુનો નોંધ્યો હતો. તથા તેની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.