ઓડિશાના ભુવનેશ્વરમાં ક્રાઈમ બ્રાન્ચ STFએ 10 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરી છે, જે વિઝા-પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ્યા હતા. જેમાં છ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા લોકોમાં બેંગ્લોરનો એજન્ટ મોહમ્મદ હાશિમ, બાંગ્લાદેશી સોજીબ ખાન, આલમ શેખ, મોહમ્મદ અઝીમ, દિલાર શેખ, સોહાતુલુક ડાર, કર્મા બેગમ, મોનીરા બેગમ, સહાના બેગમ અને એક સગીરનો સમાવેશ થાય છે.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેમણે 5 માર્ચે આસામ બોર્ડર પર ડુબુરીથી ઘૂસણખોરી કરી હતી. 6 માર્ચે ગુવાહાટીથી ટ્રેન પકડી. હાશિમે નકલી આધાર કાર્ડ બનાવડાવ્યા હતા, જે કોલકાતામાં તૈયાર કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી ભારતીય અને બાંગ્લાદેશી ચલણ પણ મળી આવ્યું હતું. સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે બાકીનાઓને ઝારપડા જેલમાં મોકલવામાં આવ્યા છે.
હાશિમ 6 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને બાંગ્લાદેશથી લોકોને લાવતો હતો. STF એસપી રવિન્દ્રનાથ સતપથીએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. હાશિમની રિમાન્ડ પર પૂછપરછ કરવામાં આવશે. આ ઘટનાએ સરહદ સુરક્ષા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. સુરક્ષા એજન્સીઓ હવે આવા અન્ય એજન્ટોને પણ શોધી રહી છે.