Sunday, March 16, 2025
More

    ઔરંગઝેબ મામલે FIR બાદ સપાના અબુ આઝમીએ માંગી માફી: હવે કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે ઇસ્લામી આક્રાંતાને ગણાવ્યો ‘અખંડ ભારતનો શિલ્પી’

    ઔરંગઝેબને લઈને ફરી એકવાર વિવાદ વધ્યો છે. અગાઉ સમાજવાદી પાર્ટીના (SP) નેતા અબુ આઝમીએ ઔરંગઝેબની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ઔરંગઝેબ ક્રૂર નહીં પણ એક સારો શાસક હતો. જે બાદ મહારાષ્ટ્રમાં હોબાળો મચી ગયો હતો. ભાજપ-શિવસેનાએ તેને રાજદ્રોહ ગણાવ્યો હતો. આ મામલે આઝમી વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જોકે, વિવાદ વધ્યા બાદ હવે આઝમીએ માફી માંગી લીધી છે. તેમણે કહ્યું છે કે, “મારા શબ્દો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા હતા, હું ઇતિહાસકારોએ જે કહ્યું તે જ પુનરાવર્તન કરી રહ્યો હતો. જો કોઈને દુઃખ થયું હોય તો હું નિવેદન પાછું લઉં છું.”

    અબુ આઝમીનો મુદ્દો હજુ ઠંડો પડ્યો ન હતો કે કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ ઈમરાન મસૂદે પણ એક નવું નિવેદન આપ્યું છે. મસૂદે કહ્યું છે કે, “ઔરંગઝેબ કોઈ આક્રાંતા કે જુલમી નહોતો, તે અખંડ ભારત બનાવનારો બાદશાહ હતો. તેણે 49 વર્ષ રાજ કર્યું, ભારતને કૈલાસ માનસરોવર અને બર્મા સાથે જોડ્યું.” ફિલ્મ ‘છાવા’નો ઉલ્લેખ કરતા મસૂદે કહ્યું કે, ફિલ્મ દ્વારા ઇતિહાસ ભૂંસી શકાતો નથી.

    બંને નેતાઓના નિવેદનોને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. માફી માંગ્યા પછી આઝમી પીછેહઠ કરી રહ્યા છે, જ્યારે મસૂદ પોતાના નિવેદન પર અડગ છે.