દેશમાં ફ્લાઇટ્સને ધમકી મળતી હોવાના સિલસિલા વચ્ચે હવે હોટેલોને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ રાજકોટની 10 હોટેલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ લખનૌમાં પણ હોટેલોને ધમકીભર્યો મેઇલ મળી આવ્યો હતો. જ્યારે હવે સુરતની 7 હોટેલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
સુરતના ડુમસ રોડ પર આવેલી લે મેરિડીયન હોટેલને 55 હજાર ડોલરની માંગણી સાથે બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ મળ્યો છે. આ ઉપરાંત અન્ય 6 મોટી હોટેલોને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જોકે, હોટેલ મેરિડીયનમાં હાલ સિનિયર સુપર વુમન ક્રિકેટની લીગની મહિલા ક્રિકેટરો પણ રોકાઈ છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ડુમસ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ અને બૉમ્બ સ્કવોડ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘણા સમય સુધી ચેકિંગ કર્યા બાદ પણ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.