Tuesday, March 11, 2025
More

    ‘જનશક્તિ સર્વોપરી…વિકાસનો વિજય, સુશાસનનો વિજય’: દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ PM મોદી

    દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ કેજરીવાલે વિડીયો પોસ્ટ કરીને હાર સ્વીકારી છે. આ સાથે જ PM મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપની શાનદાર જીત બાદ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે, દિલ્હીની આ જીત વિકાસની જીત છે અને સુશાસનની જીત છે. સાથે તેમણે દિલ્હીના વિકાસની ગેરંટી પણ આપી છે.

    તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, “દિલ્હીના આપણાં તમામ ભાઈ-બહેનોને ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ મારા અભિનંદન. તમે જે ભરપૂર આશીર્વાદ અને સ્નેહ આપ્યો છે, તે માટે તમારો સૌનો હ્રદયથી આભાર.” વધુમાં કહ્યું કે, “દિલ્હીના વિકાસ અને અહીંના લોકોના જીવનને ઉત્તમ બનાવવા માટે અમે કોઈ કસર નહીં છોડીએ. આ અમારી ગેરંટી છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આ સાથે જ અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે, વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની મુખ્ય ભૂમિકા હશે. મને ભાજપના તમામ કાર્યકર્તાઓ પર ખૂબ ગર્વ છે, જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિનરાત કામ કર્યું છે. હવે આપણે વધુ મજબૂતી સાથે દિલ્હીવાસીઓની સેવામાં સમર્પિત રહીશું”