NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરતી મુંબઈ પોલીસે તાજેતરમાં એક ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે, લૉરેન્સ બિશ્નોઈ ગેંગના ટાર્ગેટ પર પુણેના પણ એક નેતા હતા.
પોલીસે જણાવ્યું કે, લૉરેન્સ બિશ્નોઈ ગેંગ એક પુણેના નેતાને પણ મારવાનું કાવતરું ઘડી રહી હતી અને આ ગુનો આચરવા માટે પ્લાન બીમાં સામેલ શૂટરોને જવાબદારી સોંપવામાં આવી હતી.
પોલીસે જોકે આ નેતાનું નામ જાહેર કર્યું નથી. બીજી તરફ, પુણે પોલીસને તમામ માહિતી પહોંચાડી દેવામાં આવી છે. પોલીસ હાલ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીઓએ આ નેતાની રેકી કરી હતી કે કેમ.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે પોલીસને એક પિસ્તોલ મળી હતી, જે આ ગુના માટે ઉપયોગમાં લેવામાં આવનાર હતી. ત્યારબાદ સમગ્ર બાબત સામે આવી.
પોલીસે શુક્રવારે એક વિકાસ નામના ઇસમની ધરપકડ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, જો પ્લાન A નિષ્ફળ જાય (બાબા સિદ્દીકીને મારવાનો) તો પુણેમાં એક નેતાને મારવા માટે પ્લાન બી તૈયાર કરવામાં આવ્યો હતો.