Tuesday, March 18, 2025
More

    અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારનો મંત્રી ખલીલ હક્કાની માર્યો ગયો હોવાના અહેવાલ

    બુધવારે (11 ડિસેમ્બર) અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા એક હુમલામાં તાલિબાનના એક મંત્રીનું મોત થયું છે. ખલીલ હક્કાની મંત્રાલય પરિસરમાં થયેલા બ્લાસ્ટમાં માર્યો ગયો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    હક્કાની તાલિબાનની સરકારના ‘શરણાર્થી વિભાગ’ના મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો હતો. AFPના રિપોર્ટ અનુસાર, તાલિબાન સરકારના લોકોએ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, “મિનિસ્ટ્રી ઑફ રેફ્યુજીસમાં એક વિસ્ફોટ થયો હતો, જેમાં મંત્રી ખલીલ-ઉર-રહેમાન અને તેમના અમુક સાથીઓ માર્યા ગયા છે.”

    અમુક અહેવાલોમાં આ સ્યુસાઇડ બોમ્બિંગની ઘટના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, સત્તાવાર રીતે બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

    અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા ટોલો ન્યૂઝ દ્વારા પણ હક્કાનીના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 

    ખલીલ હક્કાની હક્કાની નેટવર્કનો ટોચનો આતંકવાદી હતો. આ જૂથને અમેરિકા અને અન્ય અમુક દેશોએ આતંકી સંગઠન ઘોષિત કર્યું હતું. જોકે, પછીથી તાલિબાનમાં તેનો વિલય કરી દેવામાં આવ્યો હતો. 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર ફરી કબજો મેળવ્યા બાદ હક્કાની નેટવર્કના અમુક આતંકવાદીઓ પણ સરકારમાં સામેલ થયા હતા.