Monday, June 23, 2025
More

    અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડે મેળવ્યું $750 મિલિયનનું વૈશ્વિક રોકાણ: અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ વિમાનમથકોને મળશે લાભ

    ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની, અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (AAHL) આંતરરાષ્ટ્રીય બેંકોના કન્સોર્ટિયમ પાસેથી બાહ્ય વાણિજ્યિક ઋણ (ECB) દ્વારા USD 750 મિલિયનનું રોકાણ મેળવ્યું છે. આ વ્યવહારનું નેતૃત્વ ફર્સ્ટ અબુ ધાબી બેંક, બાર્કલેઝ PLC અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું.

    આ રકમનો ઉપયોગ અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ જેવા છ એરપોર્ટ પર હાલના દેવાને ફરીથી ફાઇનાન્સ કરવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડમાં રોકાણ કરવા અને ક્ષમતા વિસ્તરણ; રિટેલ, એફ એન્ડ બી, ડ્યુટી ફ્રી અને એરપોર્ટ નેટવર્કમાં સેવાઓ સહિત નોન-એરોનોટિકલ વ્યવસાયોને વિસ્તૃત કરવા માટે કરવામાં આવશે.

    AAHLએ નાણાકીય વર્ષ 2024-25માં 9 કરોડ 40 લાખ મુસાફરોને સેવા આપી હતી અને તેની કુલ 110 મિલિયન મુસાફરોની ક્ષમતા હતી. તે તબક્કાવાર અપગ્રેડ દ્વારા 2040 સુધીમાં આ ક્ષમતાને ત્રણ ગણી વધારીને વાર્ષિક 300 મિલિયન મુસાફરો સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. આ રોડમેપના ભાગ રૂપે, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે, જેમાં પ્રથમ તબક્કામાં 20 મિલિયન મુસાફરોનો ઉમેરો થશે, અને ક્ષમતા તબક્કાવાર વાર્ષિક 90 મિલિયન સુધી વધશે, જેનાથી મુંબઈ ક્ષેત્રના ઉડ્ડયન માળખામાં નોંધપાત્ર વધારો થશે.

    “અગ્રણી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ દ્વારા અમારા પર મૂકવામાં આવેલ વિશ્વાસ ભારતના ઉડ્ડયન માળખાના લાંબા ગાળાના મૂલ્ય અને સંભાવના પર ભાર મૂકે છે. AAHL ગ્રાહકોને અસાધારણ અનુભવો આપવા, સીમલેસ કામગીરી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને તેના એરપોર્ટ નેટવર્કમાં ટકાઉપણું અને સમુદાય જોડાણને પ્રાથમિકતા આપવાના માર્ગ પર છે,” AAHLના CEO અરુણ બંસલે જણાવ્યું.

    તેઓએ આગળ કહ્યું, “જેમ જેમ અમે અમારી સફર ચાલુ રાખીએ છીએ, AAHL ગ્રાહક-કેન્દ્રિત ઉકેલો પહોંચાડવા અને સેવા અને ટકાઉપણામાં વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરતા વિશ્વ-સ્તરીય એરપોર્ટ માળખાનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે.”