Sunday, February 2, 2025
More

    અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ: સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગ મામલે કાર્યવાહી, એક મહિલાનું થયું હતું મોત

    ફિલ્મ ‘પુષ્પા-2’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તે દરમિયાન જ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુન (Allu Arjun)પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, હૈદરાબાદ પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ (Arrested) કરી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડ મામલે તેની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે.

    નોંધવા જેવું છે કે, 4 ડિસેમ્બરના રોજ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા-2’ ફિલ્મના સ્પેશયલ સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે આ ઘટનાને લઈને અલ્લુ અર્જુન અને થિયેટરના સંચાલક પર કેસ નોંધ્યો હતો. હવે તે જ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ થઈ છે.

    અલ્લુ અર્જુનની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈને ગઈ છે. આ ઘટનાને લઈને અભિનેતાની પૂછપરછ કરવામાં આવશે. જોકે, મહિલાના મોત બાદ અલ્લુ અર્જુન અને ફિલ્મની ટીમે શોક પણ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ મહિલાના પરિવારને પણ અલ્લુ અર્જુન મળ્યો હતો અને આર્થિક સહાય આપવાનો વાયદો પણ કર્યો હતો.