Thursday, March 20, 2025
More

    અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન: લખનૌમાં 83 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

    અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરના (Ram Janmabhoomi Mandir) મુખ્ય પૂજારી (Chief Priest) આચાર્ય સત્યેન્દ્ર દાસનું (Acharya Satyendra Das) લખનૌના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SGPGIMS) ખાતે નિધન (Passes Away) થયું છે. સંસ્થા દ્વારા પ્રેસનોટ જારી કરીને આ અંગેની આધિકારિક માહિતી પણ આપવામાં આવી છે. સાથે કહેવામાં આવ્યું છે કે, તેમણે 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.

    આચાર્ય સત્યેન્દ્ર દાસને 2 ફેબ્રુઆરીના રોજ બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ ગંભીર હાલતમાં 3 ફેબ્રુઆરીએ ન્યૂરોલોજી વોર્ડના HDUમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હોસ્પિટલ જઈને તેમના સ્વાસ્થ્ય વિશે ખબર પૂછ્યા હતા.

    સત્યેન્દ્ર દાસ 6 ડિસેમ્બર 1992માં પણ મુખ્ય પૂજારી તરીકે જ કાર્યરત હતા. તે જ સમયે બાબરી વિધ્વંસ કરવામાં આવી હતી. તેમણે વિધ્વંસ પહેલાં ભગવાન રામલલાની મૂર્તિઓને નજીકના મંદિરમાં લઈ લીધી હતી અને વિધ્વંસ બાદ તેમણે મૂર્તિઓને અસ્થાયી મંદિરમાં રાખી દીધી હતી. આ ઉપરાંત રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદથી જ તેઓ મુખ્ય પૂજારી તરીકે કાર્યરત રહ્યા હતા.

    નોંધનીય છે કે, 7 ફેબ્રુઆરીના રોજ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને મંદિરના નિર્માણમાં પહેલી ઈંટ મૂકનાર કામેશ્વર ચૌપાલનું પણ નિધન થયું હતું. તેમણે ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કામેશ્વર ચૌપાલ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેઓ બિહાર વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે.