Saturday, January 18, 2025
More

    છરીના ઘા ઝીંકીને હેડફોન ખરીદવા દાદર પહોંચ્યો હતો સૈફ અલી ખાનનો આરોપી: નવા CCTV ફૂટેજ આવ્યા સામે

    હુમલાને (Attack) લઈને અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) ચર્ચામાં છે. ત્યારે આ મામલે હવે હુમલાખોર આરોપીના (Accused) નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. નવા ફૂટેજમાં આરોપી એક મોબાઈલ શોપ પરથી હેડફોન (Headphone) ખરીદતો નજરે પડી રહ્યો છે. આ પહેલાં તે બદલાયેલા કપડાં સાથે જોવા મળ્યો હતો. જોકે, હજુ સુધી હુમલાખોર પોલીસ પકડથી દૂર છે. તે સિવાય પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પૂછપરછ પણ કરી છે.

    નોંધનીય છે કે, આ પહેલાં પણ આરોપી એક CCTV ફૂટેજમાં જોવા મળ્યો હતો. પહેલા ફૂટેજમાં તે સૈફ અલી ખાનના રહેણાંકવાળા વિસ્તારના CCTVમાં દેખાયો હતો. ત્યાબાદ તે બાન્દ્રાના એક CCTVમાં બદલાયેલા કપડાં સાથે જોવા મળ્યો હતો. ત્યારે હવે સામે આવેલા નવા CCTVમાં આરોપી બદલાયેલા કપડામાં તો છે જ, પણ આ વખતે તે દાદરની એક મોબાઈલ શોપમાંથી હેડફોન ખરીદતો નજરે પડી રહ્યો છે.

    આરોપી દાદરના કબૂતરખાનામાં ઇકરા નામની એક મોબાઈલ શોપમાં જોવા મળ્યો હતો. તે અહીં અભિનેતા પર હુમલો કર્યા બાદ અને બીજી વાર કપડાં બદલીને આવ્યો હતો. તે આ દુકાનમાંથી એક હેડફોન ખરીદતો નજરે પડી રહ્યો છે. હાલ આરોપી પોલીસ પકડથી દૂર છે અને મુંબઈ પોલીસ તેને પકડવા પ્રયાસ કરી રહી છે.

    બીજી તરફ સૈફ અલી ખાનની તબિયતમાં પણ હવે સુધારો જોવા મળી રહ્યો છે. ઓપરેશન બાદ તેના શરીરમાં વાગેલો છરીનો ટુકડો દૂર કરી દેવામાં આવ્યો છે અને હાલ તેની હાલત સ્વસ્થ હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. એક તરફ એમ માનવામાં આવી રહ્યું છે કે, આરોપી ચોરીના ઈરાદે અભિનેતાના ઘરમાં ઘૂસ્યો હતો, જયારે કરીના ખાનનું કહેવું છે કે ,તેમના ઘરમાંથી એક પણ વસ્તુ નથી ચોરાઈ. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.