Tuesday, March 25, 2025
More

    મોડી રાત્રે રાજકોટમાં અકસ્માત: પૂરપાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનરે 8-9 વાહનોને અડફેટે લીધાં, 6 વ્યક્તિઓને ઈજા

    31 ઑક્ટોબરની રાત્રે રાજકોટમાં (Rajkot) એક અકસ્માત સર્જાયો, જેમાં એક કારચાલકે નવેક વાહનોને ટક્કર મારી દીધી હતી. પ્રાથમિક અહેવાલોમાં તે નશામાં હોવાનું જાણવા મળ્યું છે. 

    ઘટના રાજકોટના કોટેચા ચોક પાસે બની. કાળા રંગની ફોર્ચ્યુનર કારના ચાલકે પૂરપાટ ઝડપે આવીને 8થી 9 વાહનોને અડફેટે લીધાં હતાં, જેના કારણે પાંચથી 6 લોકોને ઈજા પહોંચી. જોકે, સારી બાબત એ છે કે કોઈના જીવ ગયા નથી.

    ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનામાં જેમને ઈજા પહોંચી છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પહેલાં ટ્રાફિક ક્લિયર કરાવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. 

    પોલીસે સ્થળ પરથી ચાલકની અટકાયત કરીને તેની વિરુદ્ધ BNSની કલમ 110, 281, 125(A) અને મોટર વેહિકલ એક્ટની કલમ 185, 177, 184 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગુના સમયે કારચાલક નશામાં હતો કે કેમ.