Thursday, May 22, 2025
More

    JNU ચૂંટણીમાં ABVPએ રચ્યો ઈતિહાસ, 9 વર્ષ બાદ જોઈન્ટ સેક્રેટરીના પદ પર મેળવ્યો વિજય: 42 કાઉન્સિલર સીટોમાંથી 23 પર મેળવી સફળતા, જેમાંથી લેફ્ટનો ગઢ રહેલી સીટોનો પણ સમાવેશ

    જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની (JNU) વિદ્યાર્થી સંઘ (JNUSU) ચૂંટણી 2024-25ના પરિણામો 27 એપ્રિલના રોજ જાહેર થયા હતા. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) જોઈન્ટ સેક્રેટરીનું પદ જીતીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી. આ સીટ પર ABVPના વૈભવ મીણાએ જીત મેળવી હતી.

    નોંધનીય છે કે ABVPના ઉમેદવાર વૈભવ મીનાએ 85 મતના માર્જિનથી વિજય મેળવ્યો છે. આ સીટ પર 9 વર્ષ બાદ ABVP પરત ફરી છે જે એક ઐતિહાસિક ઘટના છે. બાકીના પદો પર પણ ABVPના મતોનું અંતર ઘણું ઓછું રહ્યું હતું.

    આ ચૂંટણીમાં લેફ્ટ યુનિટીએ પ્રેસિડેન્ટ, વાઈસ-પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરીના ત્રણ પદો જીત્યા, જ્યારે ABVPએ જોઈન્ટ સેક્રેટરી ઉપરાંત 42 કાઉન્સિલર સીટોમાંથી 23 સીટો જીતી, જે JNUના રાજકીય લેન્ડસ્કેપમાં મોટી સિદ્ધિ માનવામાં આવે છે. આ સીટોમાં સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ અને સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ જેવા લેફ્ટના ગઢ રહેલી સીટોનો પણ સમાવેશ થાય છે જે ABVPની એક મોટી સફળતા છે.

    ABVPએ આ જીતને “લેફ્ટના લાંબા સમયના વર્ચસ્વને તોડવાનું પ્રથમ પગલું” ગણાવ્યું. વૈભવ મીનાએ કહ્યું, “આ જીત વિદ્યાર્થી સમુદાયના વિશ્વાસ અને રાષ્ટ્રવાદી વિચારધારાની જીત છે. લેફ્ટ યુનિટીએ ત્રણ મુખ્ય પદો જીતવા છતાં ABVPની જોઈન્ટ સેક્રેટરીની જીતને ‘ચિંતાજનક’ ગણાવી હતી.