Wednesday, June 25, 2025
More

    મુખ્તાર અંસારીનો પુત્ર અબ્બાસ હેટ સ્પેચના કેસમાં દોષી, 2 વર્ષથી વધુની સજા થઈ તો જશે ધારાસભ્યનું પદ

    2024માં જેલમાં મૃત્યુ પામેલા ગેંગસ્ટર મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને હેટ સ્પીચ મામલે કોર્ટે દોષી ઠેરવ્યો છે. જો તેને બે વર્ષથી વધુની જેલની સજા થાય તો તેનું ધારાસભ્ય પદ પણ જઈ શકે છે, કારણ કે તે હાલ મઉનો ધારાસભ્ય પણ છે. 

    મામલો માર્ચ 2022નો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન મઉમાં એક સભા સંબોધતી વખતે અબ્બાસ અંસારીએ સરકાર બને પછી અધિકારીઓએ ‘જોઈ લેવાની’ ધમકી આપી હતી. આ ભડકાઉ ભાષણને લઈને વિરોધ થયો અને મઉ પોલીસ મથકના તત્કાલીન PSIએ અંસારી વિરુદ્ધ FIR દાખલ કરાવડાવી હતી. 

    અબ્બાસ વિરુદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ થયા બાદ મામલો MP/MLA કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો, જ્યાં ત્રણ વર્ષ સુનાવણી ચાલ્યા બાદ ચુકાદો સંભળાવવામાં આવ્યો. 

    કોર્ટે અબ્બાસ અંસારીને દોષી ઠેરવ્યો છે. સજાનું એલાન થોડા સમયમાં થશે તેમ અહેવાલો જણાવી રહ્યા છે. જો 2 વર્ષથી વધુની સજા થાય તો અબ્બાસ ધારાસભ્ય પદ પરથી બરખાસ્ત થશે, કારણ કે રિપ્રેઝન્ટેટિવ ઑફ પીપલ એક્ટ અનુસાર જો કોઈ ધારાસભ્ય કે સાંસદને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેનું પદ રદબાતલ ઠેરવવામાં આવે છે.