મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને MP/MLA કોર્ટે હેટ સ્પીચમાં બે વર્ષની સજા અને સાથે દંડ ફટકારતાં હવે તેનું ધારાસભ્ય પદ રદબાતલ ઠેરવવામાં આવશે એ નક્કી છે. મઉની કોર્ટે તેને 2022ના કેસમાં દોષી ઠેરવ્યો હતો, ત્યારબાદ સજાનું એલાન કરવામાં આવ્યું.
અબ્બાસ અંસારીએ 2022માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સરકારી અધિકારીઓને સરકાર બને ત્યારે ‘જોઈ લેવાની’ ધમકી આપી હતી. આ મામલે સ્થાનિક પોલીસ મથકમાં કેસ નોંધાયો અને મામલો MP/MLA કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે ત્રણ વર્ષ સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદો આપ્યો અને અબ્બાસને દોષી ઠેરવ્યો.
કોર્ટે સજા તરીકે 2 વર્ષની સજા અને 3 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
નિયમાનુસાર કોઈ પણ ધારાસભ્ય કે સાંસદને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા મળે તો તેની સદસ્યતા રદ કરવામાં આવે છે. આ કેસમાં અબ્બાસનું સભ્યપદ જવું નક્કી છે. જો તે ઉપરની કોર્ટમાં જાય અને ત્યાં દોષસિદ્ધિ કે સજા પર સ્ટે મળે તો સભ્યપદ પરત મળી શકે છે.