ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુનેગારો વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહીની (Bulldozer Action) શરૂઆત કરી ત્યારે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો, જેમાં AAP નેતાઓ પણ સામેલ હતા. હવે તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર પંજાબની AAP સરકાર (Punjab Government) પણ CM યોગીનું અનુકરણ કરીને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી કરી રહી છે.
તાજેતરમાં જ ભગવંત માને (Bhagwant Mann) TV9ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. પહેલાં બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કરતા માન આ ઈન્ટરવ્યુંમાં તેનું સમર્થન કરતા જોવા મળી રહ્યા હતા. પત્રકારે જ્યારે તેમને પ્રશ્ન પૂછ્યો કે શું પંજાબે પણ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને જોઈને બુલડોઝર કાર્યવાહી એડોપ્ટ કરી લીધી છે?
ત્યારે માને કહ્યું કે, “પંજાબમાં બુલડોઝર કાર્યવાહી જરૂરી છે, પંજાબમાં ડ્રગ્સના વેપારમાં સામેલ લોકોના ઘર તોડીને હું ન્યાય કરી રહ્યો છું.” તેમણે કહ્યું કે, ઇલેક્ટર નિર્ણય લેશે સિલેક્ટર નહીં. તેમનો એવો મત હતો કે ઘણા કેસમાં કોર્ટમાં વર્ષો લાગી જાય છે. કેસ 20 વર્ષ સુધી ચાલે છે, ફક્ત અદાલતો જ નહીં, સરકારો પણ નિર્ણયો લે છે.
નોંધનીય છે કે ભગવંત માન એ જ AAPના નેતા છે જેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે અતિક્રમણ સામે થયેલ બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે તેમની પાર્ટીના CM ભગવંત માનના સૂર બદલાયા છે.