Wednesday, January 22, 2025
More

    ખંડણીના કેસમાં પકડાયેલ આમ આદમી પાર્ટી MLA નરેશ બાલિયાન 2 દિવસના પોલીસ રિમાન્ડ પર

    ખંડણી સંબંધિત કેસમાં પકડાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનને (Naresh Balyan) કોર્ટે 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. 

    શનિવારે (30 નવેમ્બર) દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી લીધા બાદ રવિવારે રોઝ એવન્યુ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમની 2 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી. 2 દિવસ બાદ પોલીસે તેમને ફરી કોર્ટમાં હાજર કરવા પડશે. 

    નરેશ બાલિયાનનું નામ એક ખંડણીના કેસમાં ખૂલ્યું હતું અને એક ગેંગસ્ટર સાથેની તેમની વાતચીતનો ઑડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે આ ઑડિયો મામલે શનિવારે તેમની પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ આપી ન શકતાં અને તપાસમાં સહયોગ ન કરતાં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    આમ આદમી પાર્ટીના વધુ એક નેતાની ધરપકડ બાદ એક તરફ કેજરીવાલ અને તેમની પાર્ટી પર સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ AAP દર વખતની જેમ આમાં પણ ભાજપનું ષડયંત્ર ગણાવીને હાથ ઊંચા કરી રહી છે.