પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોડાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહી પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવી. પહેલાં તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટૂંકી પૂછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી.
રમણ અરોડા જલંધર સેન્ટ્રલ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. શુક્રવારે (23 મે) સવારે વિજિલન્સ બ્યુરોની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. AAP MLA પર અમુક સરકારી અધિકારીઓ સાથે મળીને લોકોને છેતરવાનો આરોપ છે.
ગત સપ્તાહે જલંધરના પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સુખદેવ વશિષ્ઠની એક ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે AAP ધારાસભ્ય અરોડાએ તેની મદદ લઈને અમુક લોકોને ખોટી રીતે નોટિસ ફટકારી હતી અને બદલામાં પૈસા પડાવ્યા હતા. વશિષ્ઠ સામે ફાઈલોના નિકાલમાં વિલંબ કરવાનો અને ખંડણી ઉઘરાવવાનો આરોપ લાગ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ તપાસનો રેલો AAP ધારાસભ્ય સુધી પહોંચ્યો.
આ સાથે માર્ચ 2022માં સત્તામાં આવ્યા પછી આમ આદમી પાર્ટીના ત્રીજા ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી થઈ છે. બીજી તરફ પાર્ટી પોતાના જ નેતાઓને પણ તેઓ નથી છોડતાની ફાંકા ફોજદારી કરીને બહાદુરી બતાવવામાં વ્યસ્ત છે.