Thursday, February 6, 2025
More

    દીકરાએ પોલીસ સાથે માથાકૂટ કરી, બાપે પત્રકારને ધમકી આપી: રિપબ્લિક ટીવીના રિપોર્ટરને ‘બહુત મારુંગા તુજે’ કહેતા અમાનતુલ્લાહ ખાનનો વિડીયો વાયરલ

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન ફરી વિવાદમાં આવ્યા છે અને આ વખતે કારણ તેમનો પુત્ર છે. દિલ્હી પોલીસે તેમના પુત્રને રસ્તા પર બુલેટ લઈને જતાં અને મસ્તી કરતાં રોકીને લાયસન્સ-RC બતાવવાનું કહેતાં તેણે બબાલ કરી હતી અને અમાનતુલ્લાને ફોન કરી દીધો હતો. 

    આ ઘટના પર પ્રશ્ન પૂછવા પર હવે અમાનતુલ્લાહ ખાને રિપબ્લિક ટીવીના એક પત્રકાર સાથે માથાકૂટ કરીને તેમને ધમકી આપી હતી. 

    એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અમાનતુલ્લાહ ખાન રિપબ્લિકના રિપોર્ટરને ધમકી આપતા જોવા મળે છે. બંને વચ્ચે ઉગ્ર ભાષામાં ચર્ચા થયા બાદ કહે છે કે, ‘ઇતના મારુંગા, ચલા જા યહાં સે.’

    અમાનતુલ્લાહ ખાન જ્યારે દિલ્હીમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેને કવર કરતા રિપબ્લિક ટીવીના પત્રકારે તેમને પુત્રની દિલ્હી પોલીસ સાથે થયેલી બબાલ પર પ્રશ્ન પૂછ્યા હતા. પરંતુ અમાનતુલ્લાહ છેક સુધી પુત્રનો બચાવ કરતા રહ્યા અને દોષનો ટોપલો દિલ્હી પોલીસ પર જ ઢોળતા રહ્યા. તેમનું કહેવું હતું કે તેમના પુત્રને પોલીસે હેરાન કર્યો હતો. જ્યારે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ઝિગઝેગમાં બાઇક હંકારીને, અવાજ કરતા આવી રહેલા યુવકોને પોલીસે રોક્યા હતા. ત્યાં સુધી તેમની કોઈ ઓળખ પણ થઈ ન હતી. પત્રકારે વધુ પ્રશ્ન કરતાં ઉશ્કેરાઈ ગયા અને રિપબ્લિક ટીવીને ‘ભાજપની ચેનલ’ ગણાવી દીધી. 

    ત્યારબાદ પણ પત્રકારે તેમને પ્રશ્નો કરતાં અકળાઈ જઈને હડધૂત કર્યા અને ધમકી પણ આપી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.