Sunday, March 23, 2025
More

    ‘પાપા વિધાયક હૈ હમારે’ કહીને AAP ધારાસભ્ય અમાનતુલ્લાહના પુત્રએ પોલીસ સાથે કરી બબાલ, બાઈક લઈને રસ્તા પર મસ્તી કરતાં રોક્યો હતો- કેસ દાખલ

    આમ આદમી પાર્ટીના વિવાદિત નેતા અને ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના પુત્રએ વાહનની બાબતમાં દિલ્હી પોલીસ સાથે બબાલ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. તે મિત્ર સાથે રોંગ સાઇડ પર જઈ રહ્યો હતો ત્યારે પોલીસે રોક્યો હતો. ત્યારબાદ લાયસન્સ-RC માંગ્યાં તો ન નીકળ્યાં. ત્યારબાદ બાપ ધારાસભ્ય હોવાનું કહીને અમાનતુલ્લાહના દીકરાએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. 

    પોલીસે આ મામલે જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન તેમણે એક મોટરબાઈક ઉપર બે યુવકોને રોંગ સાઈડ પરથી જોરજોરથી સાયલન્સરમાંથી અવાજ કરતા અને ઝિગઝેગમાં ચલાવતા આવતા જોયા હતા. પોલીસે બંનેને ઊભા રાખ્યા તો તેમાંના એકે કહ્યું કે તે AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનનો પુત્ર છે. તેણે પોલીસ સાથે ગેરવર્તન કર્યું અને એવો આરોપ લગાવ્યો કે તે AAP નેતાઓ પુત્ર છે એટલે પોલીસ હેરાન કરી રહી છે. 

    પોલીસે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ માંગ્યું તો યુવકોએ જવાબ આપ્યો કે તેની તેમને જરૂર નથી. ત્યારબાદ એકે અમાનતુલ્લાહને કોલ કરીને SHO સાથે વાત કરાવી હતી. ત્યારબાદ નામ-સરનામાં જણાવ્યા વગર બંને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ASIએ પછીથી બુલેટ પોલીસ સ્ટેશનમાં લાવીને મૂકી દીધું હતું. આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    પોલીસ અનુસાર, અમાનતુલ્લાહના પુત્રને પોલીસ સાથે ગેરવર્તન કરવા બદલ તેમજ જોખમી ડ્રાઇવિંગ, હેલમેટના ઉપયોગ વગર ડ્રાઇવિંગ અને લાયસન્સ વગર મોડિફાઈડ સાયલન્સર સાથે ડ્રાઇવિંગ કરવા બદલ ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.