Sunday, November 3, 2024
More

    કાશ્મીરમાં આર્ટિકલ 370 ફરી લાવવાની વાત કરનાર નેશનલ કૉન્ફરન્સને આમ આદમી પાર્ટીનું સમર્થન

    જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કૉન્ફરન્સને સમર્થન જાહેર કર્યું છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AAPના એક ઉમેદવાર મેહરાજ મલિકની જીત થઈ હતી. 

    આમ આદમી પાર્ટી દ્વારા નેશનલ કૉન્ફરન્સને સમર્થનની અધિકારિક જાહેરાત કરવામાં આવી છે. આ માટે ઉપરાજ્યપાલને એક સમર્થન પત્ર પણ સોંપવામાં આવ્યો છે. 

    મેહરાજ મલિક ડોડા વિધાનસભા બેઠક પરથી AAPની ટિકિટ પર લડ્યા હતા. અહીં તેમણે ભાજપ ઉમેદવારને 4538 મતોથી હરાવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. તેઓ કાશ્મીરમાં AAPના એકમાત્ર ધારાસભ્ય છે. 

    AAP હરિયાણા વિધાનસભા ચૂંટણી પણ લડી હતી અને 90માંથી 88 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા. પરિણામમાં એકેય બેઠક તો ન જ મળી પણ સાથે 87 બેઠક પર ડિપોઝિટ પણ ગુમાવવાનો વારો આવ્યો. કેજરીવાલના ગૃહરાજ્યમાં AAPની બહુ ખરાબ હાલત થઈ. 

    કાશ્મીરની વાત કરવામાં આવે તો ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સ-કોંગ્રેસની જીત થઈ હતી. જેમાંથી મોટાભાગની બેઠકો NCએ જ જીતી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ બનશે તેવી ઘોષણા કરવામાં આવી છે. 

    નેશનલ કૉન્ફરન્સ એ જ પાર્ટી છે, જેણે ચૂંટણીમાં આર્ટિકલ 370ને મોટો મુદ્દો બનાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેની પુનઃસ્થાપના માટે પ્રયાસ કરશે. જોકે ચૂંટણી પરિણામો બાદ ઓમર અબ્દુલ્લાહના સૂર બદલાઈ ગયા છે.