ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારમારી અને મહિલા પ્રમુખ સાથે અભદ્ર વ્યવહારના આરોપમાં ધરપકડ કરાયેલા AAPના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે રદ કરી દીધી છે. આ સાથે જ પોલીસે માંગેલા 5 દિવસના રિમાન્ડ પણ નામંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં ચૈતર વસાવાને વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે, ડેડિયાપાડામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
નોંધવા જેવું છે કે, કોર્ટ બહાર ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. જે બાદ ડેડિયાપાડાના SDM અને DySPએ ડેડિયાપાડામાં કલમ 144 લાગુ કરી હોવાની જાહેરાત કરી દીધી છે. પરિસ્થિતિ જોતાં ચૈતર વસાવાને રાજપીપળા જેલમાંથી વડોદરા જેલમાં લઈ જવામાં આવ્યા છે.
વધુમાં વસાવાના વકીલે જણાવ્યું હતું કે, પોલીસે કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડની અરજી દાખલ કરી હતી, જે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ વસાવા તરફથી જામીન અરજી કરવામાં આવી હતી, તે પણ કોર્ટે ફગાવી દીધી છે. વકીલે જણાવ્યું છે કે, ચૈતર વસાવાને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે અને સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવવા માટેની તૈયારી કરવામાં આવશે.