પંજાબમાં આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળના નેતાઓ વચ્ચે સંઘર્ષ થયો. વાત એટલે સુધી પહોંચી કે AAPના એક નેતાએ ગોળી મારવામાં આવી. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.
AAP નેતાની ઓળખ મનદીપ સિંઘ બરાડ તરીકે થઈ છે. તેમને પંજબના જલાલાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી લુધિયાણાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટના પંજાબના ફાઝિલિકા જિલ્લાની તાલુકા પંચાયત ઑફિસ બહાર બની. AAP ધારાસભ્ય જગદીપ કંબોજનો આરોપ છે કે ગોળી અકાળી દળના એક નેતાએ ચલાવી હતી. અહીં AAP નેતાઓ પહેલેથી હાજર હતા ત્યારે અકાલી દળના નેતાઓ પણ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ બબાલ થઈ.
AAP ધારાસભ્યનું કહેવું છે કે આરોપીઓએ પંચાયતની જમીન પચાવી પાડી હતી, જેનો વિરોધ કરવા પર હુમલો થયો. હાલ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ મામલો કોર્ટમાં હોવાથી AAP નેતાઓ અકાળી દળ નેતાનું નામાંકન રદ કરવાની માંગ સાથે પંચાયત પર ગયા હતા. જ્યાં બંને પાર્ટીના નેતાઓ વચ્ચે ધમાલ થઈ.
ઘટના બાદ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જેમણે મામલાની તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.