Monday, March 17, 2025
More

    ચૂંટણી પહેલાં કેજરીવાલ પર હુમલો થયાનો AAPનો આરોપ, ભાજપે કહ્યું- AAP સુપ્રીમોની કારે 2 યુવાનોને ટક્કર મારી

    દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણી પહેલાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ (AAP) દાવો કર્યો છે કે, પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) કાફલા પર પથ્થરો (Stone) ફેંકવામાં આવ્યા છે. AAP અનુસાર, નવી દિલ્હી મતદાન વિસ્તારમાં કેજરીવાલના ‘ડોર ટુ ડોર’ અભિયાન દરમિયાન કાફલા પર પથ્થરોથી હુમલો (Attack) કરવામાં આવ્યો છે. આ ઉપરાંત AAPએ આ હુમલા માટે ભાજપને (BJP) જવાબદાર ઠેરવ્યું છે. બીજી તરફ ભાજપે કહ્યું છે કે, કેજરીવાલની ગાડીએ બે યુવાનોને ટક્કર મારી દીધી છે.

    શનિવારે (18 જાન્યુઆરી) AAPએ પોતાના આધિકારિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો જારી કર્યો છે. જેમાં કેજરીવાલની ગાડી પર પથ્થરો વરસતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં કાફલાની આગળ કાળા ઝંડા લહેરાવતા લોકો પણ જોવા મળે છે. આ ઘટનાને લઈને AAPએ દાવો કર્યો છે કે, આ હુમલો ભાજપે ગુંડાઓ દ્વારા કરાવ્યો છે. AAPએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ કેજરીવાલ પર ઈંટ-પથ્થરોથી હુમલો કર્યો છે.

    બીજી તરફ ભાજપ નેતા પરવેશ સિંઘે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગાડીએ બે યુવાનોને ટક્કર મારી દીધી છે. તેમણે વધુમાં કહ્યું છે કે, બંને યુવાનોને લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું છે કે, “હાર જોઈને લોકોના જીવની કિંમત ભૂલી ગયા છે.” આ સાથે જ તેઓ તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે અને ઘાયલ યુવાનોની મુલાકાત પણ કરી છે.