Monday, June 23, 2025
More

    દિલ્હીમાં 9 વર્ષીય બાળકી સાથે હેવાનિયત, બંધ ફ્લેટમાં સૂટકેસમાંથી મળી આવી: હૉસ્પિટલ લઈ જવાતાં મૃત ઘોષિત, નૌશાદને શોધી રહી છે પોલીસ

    બકરીદના દિવસે એક 9 વર્ષીય બાળકી સાથે હેવાનિયત આચરવામાં આવી હોવાઓ ઘૃણાસ્પદ મામલો  દિલ્હીથી સામે આવ્યો છે. ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર પોલીસ મથકમાં આવતા વિસ્તારમાં એક ફ્લેટમાંથી એક 9 વર્ષીય બાળકી સૂટકેસમાં મળી આવી હતી. ત્યારબાદ તેને હૉસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ બચાવી ન શકાઈ. ફરજ પર હાજર તબીબોએ તેને મૃત ઘોષિત કરી. 

    અહેવાલો અનુસાર, પરિજનોએ આરોપ એક નૌશાદ નામના શખ્સ પર લગાવ્યો છે, જે ઘટના બાદથી ફરાર છે. પોલીસ હાલ તેને શોધી રહી છે. 

    વધુ વિગતો જોઈએ તો, બાળકી ઘરથી નીકળી પરંતુ 2 કલાક બાદ પરત ન ફરી તો પરિજનોએ શોધખોળ આદરી હતી. કોઈ પરિચિત તરફથી જાણવા મળ્યું કે બાળકી ઘરથી જ લગભગ 200 મીટર અંતરે એક ફ્લેટમાં જતી જોવા મળી હતી. પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા તો બહારથી તાળું લાગ્યું હતું. તાળું તોડીને અંદર જોયું તો બાળકી બેભાન હાલતમાં એક સૂટકેસમાં જોવા મળી અને શરીર પર નીચેના ભાગમાં કપડાં પણ ન હતાં. 

    બાળકીના પિતા તેને લઈને હૉસ્પિટલ પણ ગયા, પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં આશંકા એવી વ્યક્ત કરવામાં આવી છે કે બાળકી સાથે રેપ કર્યા બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહ ઠેકાણે લગાવવા માટે સૂટકેસમાં બંધ કરી દેવામાં આવી. 

    પોલીસે આ મામલે તપાસ માટે વિવિધ ટીમો બનાવી છે, ઉપરાંત ક્રાઈમ અને FSLની ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે.