Sunday, February 23, 2025
More

    તેલંગાણામાં ટનલ ઘસી પડવાથી ફસાયા 8 શ્રમિકો: સેના-NDRF ચલાવી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશન, લોકોમોટિવનો થઈ રહ્યો છે ઉપયોગ

    તેલંગાણામાં આવેલા નાગરકુર્નુલ જિલ્લામાં SLBC ટનલ દુર્ઘટનામાં 8 શ્રમિકો ફસાયા છે. હાલમાં સેના અને NDRFની ટીમ જોખમભર્યું રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છે. SDRF અધિકારીના મતે, ટનલમાં પ્રવેશવાનો કોઈ રસ્તો નથી. ઘૂંટણ સુધી કાદવ છે. ટનલની અંદર ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. આ સાથે જ અન્ય પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

    હાલમાં NDRF અને સેનાની ટીમ શ્રમિકો સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે જ્યાં ટનલ ઘસી પડી હતી, તે સ્થળ પરથી કાટમાળ દૂર કરી રહ્યા છે. NDRFએ ટનલની અંદર ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનનો એક વિડીયો પણ જારી કર્યો છે. વિડીયોમાં બચાવકર્મીઓને ઘટનાસ્થળ પર પહોંચવા માટે લોકોમોટિવનો ઉપયોગ કરતા જોઈ શકાય છે.

    આ સાથે જ બચાવ અભિયાનને લઈને રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે તમામ મદદ માટેની ખાતરી પણ આપી છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે વાતચીત કરીને તમામ સહકારની ખાતરી આપી છે. આ ઘટના શનિવારે (22 ફેબ્રુઆરી) બનવા પામી હતી. હાલ સેના અને NDRFની સાથે અન્ય એજન્સીઓ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી છે.