Wednesday, May 21, 2025
More

    બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહન પર બલોચ લિબરેશન આર્મીનો હુમલો, 8 સૈનિકોનાં મોત

    પાકિસ્તાનની (Pakistan) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 7 મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન પર મિસાઈલ સ્ટ્રાઈક (Operation Sindoor) કરી હતી. હવે સામે આવેલ અહેવાલ અનુસાર પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં (Balochitan) 6 મે, 2025ના રોજ બલૂચ લિબરેશન આર્મીએ (BLA) પણ ભયંકર હુમલો કર્યો હતો.

    આ હુમલામાં પાકિસ્તાની સેનાના 8 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં સેનાના વાહન પર ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન નષ્ટ થયાં અને 8 સૈનિકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 5 ઘાયલ થયા હતા.

    પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, આ હુમલો બલૂચિસ્તાનના અશાંત વિસ્તારમાં થયો, જ્યાં BLA અને અન્ય સંગઠનો સક્રિય છે. BLAએ આ પહેલાં પણ અનેક હુમલાઓ કર્યા છે, જેમાં સુરક્ષા દળો અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવવામાં આવ્યાં છે. આ હુમલાની જવાબદારી પણ BLAએ લીધી છે.

    પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ (ISPR) દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, આ હુમલો બલૂચિસ્તાનના અશાંત વિસ્તારમાં સૈનિકો નિયમિત પેટ્રોલિંગ પર હતા ત્યારે થયો હતો. અગાઉ પણ BLA દ્વારા પાકિસ્તાની સુરક્ષા દળો પર આવા હુમલાઓ કરવામાં આવ્યા છે.