Saturday, April 26, 2025
More

    મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ: કકડભૂસ થતી ઇમારતોના વિડીયો વાયરલ, થાઈલેન્ડમાં પણ આંચકા અનુભવાયા

    પાડોશી દેશ મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના ઝટકા થાઈલેન્ડ અને વિયેતનામ સુધી અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના ઉત્તર-પશ્ચિમ ભાગમા આવેલા સગાઇંગ પ્રાંતમાં હોવાનું કહેવાય રહ્યું છે. ઝટકાઓ માંડલે, ક્યોક્સે, પિન લ્વિન અને શેબો નગર સુધી અનુભવાયા હતા. આ તમામ ઉત્તર મ્યાનમારનાં નગરો છે. 

    અમેરિકન જિયોલોજિકલ સરવેના રિપોર્ટ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. કેન્દ્ર મ્યાનમારની બીજી સૌથી મોટી માંડલેથી 10.7 માઈલ પૂર્વ-દક્ષિણપૂર્વમાં હોવાનું જાણવા મળ્યું છે. 

    જાનમાલના નુકસાન અંગે કોઈ ઠોસ વિગતો બહાર આવી શકી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર અમુક વિડીયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઇમારતો પત્તાંની જેમ કકડભૂસ થતી જોવા મળે છે. 

    ભૂકંપના ઝટકા થાઈલેન્ડના બેંગકોકમાં પણ અનુભવાયા હતા. જેના કારણે મોટી ઇમારતોમાં રહેતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. થાઈલેન્ડ સરકારે ઈમરજન્સી જાહેર કરીને એક આપાતકાલીન બેઠક બોલાવી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.