Wednesday, June 25, 2025
More

    દેવું… દબાણ… અને સામૂહિક આત્મહત્યા!: હરિયાણાના પંચકૂલામાં કારમાં મળ્યા એક જ પરિવારના 7 લોકોના શવ, ચોંકાવનારા મામલામાં તપાસ શરૂ

    હરિયાણાના (Haryana) પંચકૂલામાં (Panckula), 26 મેના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જ પરિવારના 7 સભ્યો તેમની કારમાં મૃત હાલતમાં (7 People Dead) મળી આવ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે દહેરાદૂનનો આ પરિવાર બાગેશ્વર ધામમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો.

    મૃતકોમાં 42 વર્ષીય પ્રવીણ મિત્તલ, તેમના માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકો (બે દીકરીઓ અને એક દીકરો) સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર દેહરાદૂનથી પંચકૂલા આવ્યો હતો, જ્યાં તેમણે બાગેશ્વર ધામમાં યોજાયેલી હનુમાન કથામાં ભાગ લીધો હતો.

    પંચકૂલાની ડીસીપી હિમાદ્રી કૌશિકે જણાવ્યું કે, “અમને માહિતી મળી કે 6 લોકોને ઓજસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા, ત્યારે અમને ખબર પડી કે તેઓ બધા મૃત્યુ પામ્યા છે. બીજા એક એક વ્યક્તિને સેક્ટર 6ની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જેને પણ મૃત જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક રૂપે, આ આત્મહત્યાનો મામલો લાગે છે.”

    પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો, જેના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. પરિવારે એક સુસાઇડ નોટ પણ છોડી હતી, જેમાં તેમની આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ, નોટની સંપૂર્ણ વિગતો હજુ જાહેર થઈ નથી.

    ડીસીપી હિમાદ્રી કૌશિક અને ડીસીપી અમિત દહિયા સહિત પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ઉત્તરાખંડ રજીસ્ટ્રેશનવાળી કારમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. આ મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે.