Friday, March 14, 2025
More

    વહેલી સવારે ધણધણી ઉઠી તિબેટ-નેપાળની ધરતી, 7.1ની તીવ્રતાના ભયાનક ભૂકંપથી 50થી વધુના મોત: ભારતમાં પણ અનુભવાયા આંચકા

    તિબેટના (Tibet) કેટલાક વિસ્તારોમાં ભયાનક ભૂકંપ (Earthquake) આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારતીય સમય અનુસાર, મંગળવારે (7 જાન્યુઆરી) વહેલી સવારે 6 વાગ્યા આસપાસ તિબેટના કેટલાક વિસ્તારોમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ભયાવહતા એટલી હતી કે, ક્ષણભરમાં જ મોટી-મોટી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઘટનામાં 53 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

    તિબેટમાં આવેલા આ ભૂકંપની અસર પાડોશી દેશ નેપાળ (Nepal) અને ભારત (India) પર પણ પડી હતી. ચીનના સરકારી અખબાર સીસીટીવી અનુસાર, આ ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત તેના કારણે 62 લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર તિબેટના ટિંગરી કાઉન્ટીમાં હોવાનું કહેવાયું છે.

    આ ઉપરાંત ભારતમાં પણ અનેક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બિહાર. આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દિલ્હી-NCR, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં ભારતમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાન વિશેની કોઈ માહિતી સામે આવી નથી.