અમરેલીના લાઠીમાં ભારે વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા થઈ રહ્યા છે. દરમિયાન ખેતીમાં કપાસ વીણવાનું કામ કરી પરત ફરી રહેલા લોકો પર વીજળી પડતાં 5ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અમરેલીના લાઠીમાં આવેલા આંબરડી ગામમાં બની હોવાનું કહેવાય રહ્યું છે. પાંચ મૃતકોમાંથી એક જ પરિવારના ત્રણ લોકો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અમરેલીના કલેકટરે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, લાઠીના આંબરડી ગામમાં વીજળી પડવાના કારણે 5 લોકોના મોત થયા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તમામને એમ્બ્યુલન્સ મારફતે લાઠી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ ઘટનાને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.