છેલ્લા 48 કલાકમાં દેશમાં અનેક ઠેકાણે એરલાઈન્સની ફ્લાઇટ્સને (Flights) બૉમ્બની ધમકી (Bomb Threat) આપવામાં આવી હોવાના કિસ્સાઓ બન્યા છે. જેની પાછળ એક X અકાઉન્ટ હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, શુક્રવાર રાત્રિથી અત્યાર સુધી એક જ X અકાઉન્ટ પરથી લગભગ 46 ભારતીય એરલાઇન્સની ફ્લાઈટોને બૉમ્બની ધમકી આપવામાં આવી. આ અકાઉન્ટ @adamlanza111 હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, હાલ આ અકાઉન્ટ સસ્પેન્ડ થઈ ચૂક્યું છે પરંતુ અહેવાલોનું માનીએ તો શનિવારે બપોર સુધી તે ચાલુ હાલતમાં હતું. શુક્રવારે રાત્રે આ અકાઉન્ટ પરથી 12 ફ્લાઈટોને ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ શનિવારે બીજી 34 ફ્લાઇટ્સને ધમકી આપવામાં આવી, જેમાં ભારતીય ઉપરાંત અમેરિકન અને ન્યૂઝીલેન્ડની ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે.
હાલ પોલીસ અને એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે અને Xનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ધમકી આપનાર VPNનો ઉપયોગ કરતા હોવાના કારણે સરળતાથી ટ્રેસ કરી શકાય તેમ નથી, એટલે સોશિયલ મીડિયા કંપનીઓની મદદ લેવામાં આવશે.
આ ધમકીઓમાંથી તમામ અફવા જ નીકળી હતી, પરંતુ સ્વભાવિક છે કે આ પ્રકારની ધમકીઓ મળે તો એરલાઈન્સથી માંડીને એરપોર્ટ ઑથોરિટી અને પોલીસ સતર્ક થઈ જાય છે અને તેના કારણે પછી ફ્લાઈટ ઉપડવામાં વિલંબ થાય છે, ઘણી વખત બાકીની ફ્લાઇટને ફરીથી શિડ્યુલ કરવી પડે છે અને આ બધાના કારણે લાખોનું નુકસાન વેઠવું પડે છે.