Monday, June 23, 2025
More

    બાંગ્લાદેશ-મ્યાનમારના શરણાર્થી કૅમ્પ છોડીને ભાગ્યા રોહિંગ્યાઓ, બોટ દરિયામાં ડૂબતાં 427નાં મોતની આશંકા

    મ્યાનમાર અને બાંગ્લાદેશના શરણાર્થી કૅમ્પમાંથી ભાગી આવેલા રોહિંગ્યાઓને દરિયામાં અકસ્માત નડતાં બે બોટ ડૂબી ગઈ હતી, જેમાં 427નાં મોત થયાં હોવાની આશંકા છે. આ જાણકારી યુએન હાઈકમિશનર ફોર રેફ્યુજીસ તરફથી આપવામાં આવી છે. 

    UNHCR અનુસાર, એક બોટમાં 267 લોકો હતા, જેમાંથી મોટાભાગના બાંગ્લાદેશના કોક્સ બજાર શરણાર્થી કૅમ્પમાંથી ભાગીને આવ્યા હતા. અમુક મ્યાનમારના કૅમ્પમાંથી આવ્યા હતા. આ બોટ 9 મેના રોજ મ્યાનમારના દરિયાકાંઠા નજીક ડૂબી ગઈ હતી, જેમાંથી માત્ર 66 લોકો જ બચી શક્યા. 

    બીજી એક બોટ કોક્સ બજાર અને મ્યાનમારના કૅમ્પના શરણાર્થીઓને લઈને નીકળી હતી, જે 10 મેના રોજ ડૂબી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બોટમાં કુલ 247 લોકો હતા, જેમાંથી માત્ર 21 જ બચી શક્યા. બાકીના ડૂબી ગયા હતા. જેથી કુલ 514 વ્યક્તિઓમાંથી માત્ર 87 બચ્યા અને બાકીના 427નાં મોત થયાં હોવાની આશંકા છે. 

    અનુમાન છે કે વિસ્તારમાં આ ચોમાસાના આગમનનો સમય છે. એટલે દરિયામાં તેજ પવન અને વરસાદનો આ બોટ સામનો કરી શકી નહીં હોય. હાલ વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.