મલેશિયાની પોલીસ ઇસ્લામિક સ્ટેટની (IS) વિચારધારાથી પ્રભાવિત થઈને આતંકવાદી ગતિવિધિઓમાં લિપ્ત 36 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી લીધી છે.
મલેશિયાના ગૃહમંત્રી સૈફુદ્દીન ઇસ્માઇલે એક નિવેદનમાં જણાવ્યું કે, સ્પેશિયલ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ જૂથ દેશમાં ઇસ્લામિક સ્ટેટની વિચારધારાનો ફેલાવો કરવા માટે કામ કરતું હતું. છેક એપ્રિલથી તમામ રડાર પર હતા અને તબક્કાવાર દરોડા પાડીને તમામને પકડવામાં આવ્યા.
પકડાયેલા લોકોમાંથી પાંચ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ સંબંધિત આરોપ લગાવવામાં આવ્યા છે. બાકીના 15ને ડિપોર્ટ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. 16 વ્યક્તિઓ એવી છે, જેમની સંડોવણી તપાસવામાં આવી રહી છે.
ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, આ જૂથે બાંગ્લાદેશી સમુદાયમાં ભરતી સેલ બનાવી રાખ્યા હતા અને તેઓ મુસ્લિમ યુવાનોની તેમાં ભરતી કરતા હતા, ત્યારબાદ તેમનાં બ્રેનવૉશ કરવામાં આવતાં. તેઓ મલેશિયામાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે ફંડ એકઠું કરતા હોવાની પણ જાણકારી મળી છે.