Sunday, July 13, 2025
More

    3000 હજાર વાહનો ભરેલું કાર્ગો જહાજ પ્રશાંત મહાસાગરમાં ડૂબ્યું, 22 લોકોને બચાવી લેવાયા

    પ્રશાંત મહાસાગરના (Pacific Ocean) અલાસ્કામાં (Alaska) એલ્યુશિયન આઇલેન્ડ ચેઇન નજીક દરિયામાં એક મોટું જહાજ આગ લાગવાને કારણે ડૂબી ગયું છે. મોર્નિંગ મિડાસ નામનું એક કાર્ગો જહાજ, જે 3000 જેટલા વાહનો લઈને ઉત્તર પ્રશાંત મહાસાગરના રસ્તે થઇ મેક્સિકો (Mexico) જઈ રહ્યું હતું, તે આગ લાગવાની ઘટનાના અઠવાડિયા બાદ મહાસાગરમાં ડૂબી ગયું છે. જહાજમાં લગભગ 800 જેટલા ઇલેક્ટ્રિક વાહનો હતા.

    શિપિંગ કંપનીના જણાવ્યા અનુસાર ખરાબ હવામાન અને જહાજમાં લાગેલી આગના કારણે જહાજને ભારે નુકશાન થયું હતું અને ત્યાર બાદ જહાજમાં પાણી ઘુસી જવાના કારણે અઠવાડિયાના અંતે તે દરિયામાં ડૂબવા પામ્યું હતું. જોકે, જહાજમાં સવાર ક્રૂએ અઠવાડિયા પહેલા જ જહાજ છોડી દીધું હતું, જેથી કોઈ જાનહાની થવા પામી ન હતી.

    યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ જહાજે ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલ્યા હતા અને ત્યાર બાદ બચાવ ટુકડીઓ દ્વારા જહાજમાં સવાર તમામ 22 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.