Sunday, March 23, 2025
More

    મહાકુંભમાં ભાગદોડથી 30 વ્યક્તિઓએ ગુમાવ્યો જીવ: સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યો આંકડો, હાલ સ્થિતિ નિયંત્રણમાં

    પ્રયાગરાજમાં મહાકુંભના આયોજનમાં મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન દરમિયાન મચી ગયેલી ભાગદોડથી 30 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હોવાનું ઉત્તર પ્રદેશ સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે. 

    ઘટના બાદ સરકાર વતી DIG મહાકુંભ, વૈભવ કૃષ્ણાએ આ આંકડો જાહેર કર્યો હતો. 

    તેમણે જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 1-2 વાગ્યાની વચ્ચે મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે 30 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. 

    કુલ 30માંથી 25 વ્યક્તિઓની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે બાકીના પાંચની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે મૌની અમાવસ્યાના સ્નાન માટે પ્રયાગરાજમાં હાલ કરોડો શ્રદ્ધાળુઓ હાજર છે. દરમ્યાન, રાત્રે 1–2 વાગ્યાની આસપાસ ધસારો વધી જતાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં અમુકનાં મોત થયાં હતાં. જોકે, તુરંત પ્રશાસને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. 

    કેન્દ્ર સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વગેરે સતત UP સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંપર્કમાં છે. હાલ સ્થિતિ સામાન્ય છે અને સ્નાન ચાલી રહ્યું છે.