Friday, March 14, 2025
More

    મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં દેખાયો માનવસાગર: નાસભાગ થતા 30 ઘાયલ, PM મોદીએ કરી CM યોગી સાથે બે વાર વાત

    ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાલ મહાકુંભ (Prayagraj Maha Kumbh) ચાલી રહ્યો છે. જેમાં આજે મૌની અમાવસ્યા (Mauni Amavasya) હોવાથી અતિપવિત્ર અમૃત સ્નાન થતું હોય છે. જેમાં ભાગ લેવા વહેલી સવારથી કરોડો લોકો સંગમ ઘાટ પાસે પહોંચતા નાસભાગ (stampede) જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં ઘણા લોકો ઘાયલ થવાના અહેવાલ મળી રહ્યા છે.

    તાજા અહેવાલ અનુસાર મૌની અમાવસ્યાના દિવસે સવારે મહાકુંભમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાતા લગભગ 30 મહિલાઓ ઘાયલ થઈ હતી, જેના કારણે અખાડાઓએ પવિત્ર ડૂબકી લગાવવાનું મુલતવી રાખ્યું હતું.

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અમૃત સ્નાન પહેલા કરોડો ભક્તો એકઠા થયા હતા. સંગમથી લગભગ એક કિલોમીટર દૂર, ભીડના કારણે બેરિકેડ્સ તૂટી ગયા, જેના કારણે કેટલીક મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. બેભાન મહિલાઓ પડી જવાથી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ તેમને મહા કુંભ મેળા સંકુલની અંદરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ ઉપરાંત, કેટલીક ગંભીર રીતે ઘાયલ મહિલાઓને સારવાર માટે બેઈલી હોસ્પિટલ અને સ્વરૂપ રાણી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi) સાથે વાત કરી અને તેમને તાત્કાલિક રાહત પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. આવી જ પરિસ્થિતિ ટાળવા માટે અધિકારીઓએ મેળા પરિસરમાં અન્ય સ્થળોએ પોન્ટૂન પુલ બંધ કરી દીધા હતા.