જંગલી પ્રાણીઓ પ્રત્યે કરુણા અને દયા દર્શાવતા અંબાણી પરિવારના (Ambani Family) વનતારા વાઈલ્ડલાઈફ સેન્ટર (Vantara Wildlife Centre) ખાતે અનેક પ્રાણીઓને સંરક્ષણ આપીને તેમની સેવા કરવામાં આવી રહી છે. હવે તે જ વાઈલ્ડલાઈફ સેન્ટરમાં વધુ ત્રણ સભ્યો જોડાવા જઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, અનંત અંબાણી (Anant Ambani) દ્વારા સંચાલિત વનતારા વાઈલ્ડલાઈફ સેન્ટર જામનગર ખાતે વધુ ત્રણ આફ્રિકન હાથીઓને (African Elephants) લાવવામાં આવશે. જેમાં બે માદા અને એક નર હાથીઓનો સમાવેશ થાય છે.
આ ત્રણ હાથીઓને ટ્યુનિશિયાથી (Tunisia) લાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ટ્યુનિશિયાના ખાનગી પ્રાણીસંગ્રહાલયમાં સંસાધનોના અભાવે ખોરાક, આશ્રય અને તબીબી સંકટનો સામનો કરી રહેલા ત્રણ આફ્રિકન હાથીઓને જામનગરના વનતારા વન્યજીવન કેન્દ્ર આશ્રય આપવામાં આવશે અને તેમની સેવા પણ કરવામાં આવશે.
હાથીઓના નામ અખ્તુમ, કાની અને મીના હોવાનું સામે આવ્યું છે. બે દાયકા પહેલાં બુર્કીના ફાસોથી તેમને ફ્રિગુઆ પાર્ક ટ્યુનિશિયા ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી હવે તેને ભારતમાં લાવવામાં આવશે. આ માટેની તમામ કાયદાકીય કાર્યવાહી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.