Thursday, February 27, 2025
More

    શ્રીલંકાની જેલમાં બંધ 27 ભારતીય માછીમારોને મુક્ત કરાયા, ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા

    માછીમારી દરમિયાન શ્રીલંકા નૌકાદળે પકડી લીધેલા કુલ 27 માછીમારોને ભારત સરકારે મુક્ત કરાવ્યા છે. તમામ 27 ફેબ્રુઆરીની સવારે ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યા હતા. તમામ રામેશ્વરમના રામનાથપુરમના વતની હોવાનું જાણવા મળ્યું છે.

    માછીમારોને ભારત લાવ્યા બાદના ચેન્નાઈ એરપોર્ટના વિડીયો સામે આવ્યા હતા. જેમાં તેઓ હસતા અને આનંદિત દેખાઈ રહ્યા છે. 23 ફેબ્રુઆરીએ શ્રીલંકાના નૌકાદળે માહિતી આપી હતી કે કથિત રીતે શ્રીલંકાની સમુદ્રી સરહદમાં ઘૂસેલા 32 માછીમારોની ધરપકડ કરીને તેમની કુલ 5 બોટ જપ્ત કરવામાં આવી હતી. આ ધરપકડ ઉત્તરી મન્નારમાં થઈ હતી.

    શ્રીલંકાના નૌકાદળે નિવેદન આપ્યું હતું કે, “શ્રીલંકાના નૌકાદળે શ્રીલંકાના પાણીમાં શિકાર કરતી વખતે પાંચ ભારતીય માછીમારી બોટ જપ્ત કરી અને 32 ભારતીય માછીમારોની ધરપકડ કરી.” ત્યારે હવે ભારત સરકારે 32માંથી 27 માછીમારોને છોડાવી લીધા છે. જે ભારત પરત આવી ચૂક્યા છે.

    નોંધનીય છે કે માછીમારોનો મુદ્દો ભારત અને શ્રીલંકા વચ્ચેના સબંધોમાં એક વિવાદાસ્પદ મુદ્દો છે. અહેવાલ અનુસાર વર્ષ 2024 દરમિયાન શ્રીલંકાની સમુદ્રી સીમામાં ગેરકાયદે શિકાર કરવાના આરોપમાં 529 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.