Thursday, April 10, 2025
More

    છત્તીસગઢ: બે અલગ-અલગ એનકાઉન્ટરમાં 22 નક્સલીઓ ઠાર, એક જવાન વીરગતિને પ્રાપ્ત

    છત્તીસગઢમાં બે અલગ-અલગ ઑપરેશનમાં સુરક્ષાબળોએ કુલ 22 નક્સલીઓને ઠાર કર્યા છે. એક ઑપરેશન બીજાપુરમાં થયું, જ્યાં 18 નક્સલીઓ ઠાર કરવામાં આવ્યા. આ અથડામણમાં એક જવાન વીરગતિ પામ્યા. અન્ય એક એનકાઉન્ટર કાંકેરમાં થયું, જ્યાં 4 નક્સલીઓને સુરક્ષાબળોએ ઠાર કરી દીધા હતા. 

    બીજાપુર-દંતેવાડાની સરહદ પર સવારે 7 વાગ્યેથી એન્કાઉન્ટર શરૂ થયું હતું અને બંને તરફથી ગોળીબાર થયો. ઘણા કલાકો સુધી અથડામણ ચાલ્યા બાદ સુરક્ષાબળોને નક્સલીઓનો સફાયો કરવામાં સફળતા મળી. બીજાપુર પોલીસ 18 નક્સલીઓના મૃતદેહ પ્રાપ્ત થયા હોવાની પુષ્ટિ કરી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો પણ મળી આવ્યો હતો. 

    કાર્યવાહીને લઈને છત્તીસગઢ સીએમ વિષ્ણુદેવ સાયે જણાવ્યું કે, “આજે બે એન્કાઉન્ટરમાં કુલ 22 નક્સલીઓને મારી નાખવામાં આવ્યા છે. અમે સુરક્ષાબળના જવાનોના સાહસને નમન કરીએ છીએ. સતત તેઓ મજબૂતીથી લડાઈ લડી રહ્યા છે. હવે વધુ સમય નહીં લાગે. આપણા ગૃહમંત્રીનો સંકલ્પ છે કે 31 માર્ચ, 2026 સુધીમાં દેશભરમાંથી નક્સલવાદ ખતમ કરીશું, અમે સતત એ દિશામાં કામ કરી રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું કે ડબલ એન્જિન સરકાર પૂરેપૂરી મજબૂતીથી નક્સલવાદ સામે લડી રહી છે.